બૂમ ના પાડો

બધું બગડી ગયાની બૂમ ના પાડો,
તમે ખુદને સુધારીને તો દેખાડો..!

તમે પડનારની ચિંતા કરો છો પણ,
કદી ત્યાં હાથ દીધો છે જરા આડો ?

પછી ત્યાં પ્રેમની આશા શું રાખો છો ?
ચણી છે ખુદના ભાઈ વચ્ચે જ્યાં વાડો.

ભલે નફરતની કોદાળી ચલાવે એ,
ભરી લો પ્રેમની માટીથી એ ખાડો.

કરો નહિ રોજ નિષ્ફળતા વિશે ચિંતા,
ઊગે છે રોજ આખ્ખોયે નવો દા’ડો.

સુનીલ શાહ

કહો ક્યાં જશો ?

આવતા આવેગને રોકી તમે કહો ક્યાં જશો ?
શ્રાવણોને આમ અટકાવી તમે કહો ક્યાં જશો ?

બેઉ વચ્ચે ક્યાંય પણ અંતર ન હોવું જોઈએ,
પ્રેમનો એવો નિયમ તોડી તમે કહો ક્યાં જશો ?

માત્ર પળ બે પળ સમય જીવી જવા મળતો હશે,
આખું જીવન માથા પર મૂકી તમે કહો ક્યાં જશો ?

એ સહજ છે, આક્રમણ ભીતરનું તો આવ્યા કરે,
રોજ વારંવારનું તૂટી તમે કહો ક્યાં જશો ?

ઘર વિશે જાણ્યું કે, ઘર એ ઘર છે બીજું કાંઈ નહિ,
દોસ્ત, નાહક પાંખ ફફડાવી તમે કહો ક્યાં જશો ?

સુનીલ શાહ

ન ફાવે

બધાને રોજ મળવાનું ન ફાવે,
વિના કારણ પલળવાનું ન ફાવે.

એ રીતે ખુદને છળવાનું ન ફાવે,
કોઈ કહે એમ વળવાનું ન ફાવે.

હું માણસ છું; નથી સિક્કો ચલણનો,
મને અધ્ધર ઉછળવાનું ન ફાવે.

ભલે ભીતર કશું કૈં હો દહનશીલ,
છતાં કાયમ સળગવાનું ન ફાવે.

ખુમારી એ જ રાખી છે સતત મેં,
અમસ્તું સૌને લળવાનું ન ફાવે.

સુનીલ શાહ

બની ગયું છે

કોને ખબર આ કેવું ભણતર બની ગયું છે,
પોપટની જેમ બાળક, સાક્ષર બની ગયું છે !

ઝીંકે છે શ્હેર આખું, કૈં કેટલાં પ્રહારો,
પણ દોસ્ત, મારું મન તો, બખ્તર બની ગયું છે.

પીડા ને પીઠ સાથે પસવારતો રહ્યો છું,
એથી જ જીવવું આ, નક્કર બની ગયું છે.

ડૂબી જવાયું એમ જ, આ આંસુમાં ગળાડૂબ,
જાણે શરીર આખું જળચર બની ગયું છે !

બસ જ્યારથી ઉદાસી ઘર કાયમી કરી ગઈ,
સરનામું મારું કેવું સધ્ધર બની ગયું છે !

મેં જાત આખી તોડી, તેં તો ધનુષ્ય કેવળ,
કહે, રૂપ તારું શાને ઈશ્વર બની ગયું છે ?

સુનીલ શાહ

(દ્વિખંડી છંદ: ગાગાલગા લગાગા / ગાગાલગા લગાગા)

હૃદયથી માણવાના

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં, જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ, સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

સુનીલ શાહ

જીવું છું.

imagesખોખલા ખેંચાણ લઈને જીવું છું,
વળગણોની તાણ લઈને જીવું છું.

આ વરસતા પથ્થરો વચ્ચે સતત,
જીવ, લોહીઝાણ લઈને જીવું છું.

હું મને જો ઓળખું તો પણ ઘણું,
એ સમજ, એ જાણ લઈને જીવું છું.

ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

સનસનાટીપૂર્ણ વીતે છે સમય,
હુંય કચ્ચરઘાણ લઈને જીવું છું !
સુનીલ શાહ

બોદો નીકળ્યો

એ રીતે ઈચ્છાનો તાળો નીકળ્યો,
અંતમાં અજગરનો ભરડો નીકળ્યો.

વૃક્ષ જીવ્યાનો પુરાવો નીકળ્યો,
ડાળ પર એકાદ માળો નીકળ્યો.

વસ્ત્ર મેં કેવાં જતનથી સાચવ્યું,
તોય શાને એક ડાઘો નીકળ્યો..?

મેં ઉપાડી પ્રેમરંગી પીંછી જ્યાં,
એક ચ્હેરો એકધારો નીકળ્યો.

જાળ નાંખીને કર્યાં જેણે શિકાર,
એ શિકારી એક ભગવો નીકળ્યો..!

આશરો ક્યાં કોઈનો સદ્ધર હતો,
મેં ખભો માન્યો એ બોદો નીકળ્યો..!

સુનીલ શાહ

અધૂરી છે….

એવું સ્હેજ પણ છે નહિ, વારતા અધૂરી છે,
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે.

જેમને ન સમજાઈ લાગણી કદી મારી,
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે.

રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે..?
એમની કશે ને ક્યાં, બસ દુઆ અધૂરી છે…!

જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે.

રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.
(ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા)

સુનીલ શાહ

તોય આવ્યા ?

લઈ યાદનો છાંયડો જેઓ જીવ્યા,
પૂછો, કેટલાં તડકા એણે સમાવ્યા ?

ગયા તોય, પાછા સવારે એ આવ્યા,
અમે દોસ્ત ! પડછાયા સામે ન ફાવ્યા.

તમે અર્થ તો એ જ કાઢ્યો, જે ફાવે,
અમે લાગણી બોળી શબ્દો સજાવ્યા.

જગતને કશી કિંમત જ ક્યાં છે એની,
તમે શિલ્પ આંસુનું લઈ, તોય આવ્યા..?

અજાણ્યો હવે એટલે લાગે છે દેહ,
તમે કૈંક ચહેરા હજીયે છુપાવ્યા.

હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
અમે એ જ વાતે બધાને નમાવ્યા.

સુનીલ શાહ

કારણ રહે છે…

જીવી શકવાનું એક કારણ રહે છે,
સ્મરણમાં કોઈ એવું જણ રહે છે.

ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
રહે છે એય, ને આ પણ રહે છે…!

ન ભૂલાશે કદી ઉપકાર ‘મા’નો,
એ લોહીમાં સદા, કણકણ રહે છે.

સતત વાગોળું છું હું કેમ એને..?
આ સુખમાં એવું શું કામણ રહે છે..?

પ્રવેશું ફક્ત હું એવા જ ઘરમાં,
હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.

સુનીલ શાહ

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers