નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

 

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?

પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

 

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–

પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

 

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,

ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

 

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,

બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

સુનીલ શાહ

About these ads