ભ્રમ
ફૂટપાથના એક છેડે સૂતેલો
લઘરવઘર ‘માણસ’
નસકોરાં બોલાવી ગાઢ નિંદ્રાની
છડી પોકારે છે…
ત્યારે,
મને થાય છે…
ધોધમાર વરસાદની વચ્ચે
કોરાં રહી જનારા આપણે,
પેલા માણસની જેમ
સપનાંને
માણી શકીએ છીએ ખરા ?
જેને આપણે
‘સુખ‘ નામના પ્રદેશ તરીકે
ઓળખીએ છીએ, ત્યાં…
આપણે પોષ્યાં છે,
અઢળક ભ્રમોને..!!
–––––––––––––––
હદ
આદમથી
આમ આદમી સુધીની
સફરનો સાક્ષી તે આ સૂરજ…
કંઈ કેટલીયે પેઢીનાં દર્દને
પોતાનામાં ભંડારી
આગ વરસાવે છે ગગનથી..
જાણે કહી રહ્યો છેઃ
‘સહનશક્તિની પણ હદ હોય છે..’
ને,
એ હદ અતિક્રમાય છે
ત્યારે,
ક્યાંક વાવાઝોડું, ક્યાંક પૂર
ક્યાંક ધ્રુજારી તો ક્યાંક આગ
દેખાય છે..
એ સૌનું પરિણામ તો..
અશ્રુ જ ને..?!
સુનીલ શાહ

Recent Comments