થોડાં પ્રયત્ન પછી,
શેર માટીની ખોટને..
સહજ રીતે સ્વીકારનારા
અમે બંને–
કાળના ધસમસતા પ્રવાહમાં
ભૂલી ગયેલાં કે ઘડપણમાં શું…?
એકબીજાના પૂરક થઈ રહેવાની વાત તો
મીઠ્ઠી લાગે છે,
પણ…
એક ચક્ર થંભી જશે ત્યારે,
બીજા ચક્રનું શું..?
આ ડરામણો પ્રશ્ન થયો,
ને આંખ ખુલી ગઈ.
ઘસઘસાટ ઊંઘતી પત્ની તરફ
સહજ નજર નાંખી–
મનને આશ્વાસન આપ્યું..
‘ ભીડ વચ્ચે પણ ઘડપણ એકલું હોય
એવું બને છે જ ને ?
હોય છે એનેય,
ચિંતા ક્યાં નથી હોતી..?
હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં
અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–
કમસેકમ
કોઈ ઘરડાંઘરનો રસ્તો બતાવશે
એ ડર તો નથી…!’

Recent Comments