Archive for May 18th, 2009

અછાંદસ

(૧)

 પંખી ટહુક્યું,

ડાળ ઝૂલી,

ઝરણાં ખળખળ વહ્યાં…

મનને થયું,

પ્રતીક્ષાની

સઘળી સૂકી ડાળ

હમણાં મ્હોરી ઊઠશે..

નવાં ફૂલો ખિલખિલાટ ખીલશે

પતંગિયાં નવાં ગીત ગાશે…

વિશ્વાસ કહો યા શ્રદ્ધા,

પણ,

તૂટયું આખરે સ્વપ્ન..

સાચું કહું…?

એ ન જ આવી…!!

 –––––––––––––––

(૨)

બારી પાસે બેસી

આંખમાં

સ્મરણોનું આકાશ ભરવાના

પ્રયત્નો કરતો હતો.

કોણ જાણે ક્યાંકથી

વિષાદનું વાદળ

ઊતરી આવ્યું…!

હળવેકથી એણે

આંખના આકાશને

ઘેરી લીધું…

સંયમની પાંપણી સરહદો

વટાવી દીધી,

અંતે…?

ટપ…ટપ….ટપ…!

હૃદય હળવું,

ડૂમો પ્રવાહી…

દૃશ્ય કેવું ભાવવાહી…!!!

સુનિલ શાહ