Web Photo

એટલું, બસ એટલું  કિસ્મત મળે,
જેને ચાહું, એમની ચાહત મળે.

ક્યારનું ઝંખી રહ્યું છે બારણું,
કે હવે તો કોઈથી નિસ્બત મળે !

હું ભલે સાચું કહું, પણ તોય શું ?
તું મને કઈ વાતમાં સંમત મળે !

છે દયાને પાત્ર એવા માણસો,
જેની ઈચ્છાનું હરણ, આહત મળે.

કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

સુનીલ શાહ

(આહત– ઘાયલ, અક્ષત–સુરક્ષિત, અખંડ)

About these ads