સાવ ઊંધી રીત અપનાવ્યા કરે, એ સારું લાગે ?
સ્વપ્ન ખુલ્લી આંખથી જોયા કરે, એ સારું લાગે ?
મૂળથી જે ટોચના રસ્તે કદમ માંડી શકે છે,
એ જ; સીધા માર્ગ પર થાક્યા કરે, એ સારું લાગે ?
ટોચ પરથી ખીણને જોયા પછી પસ્તાય છે જે,
આભની એ રોજની ઈર્ષ્યા કરે, એ સારું લાગે ?
જ્યાં જગત આખ્ખું વિરોધી નીકળે છે આપણું; ત્યાં,
પ્રેમની બાની સતત બોલ્યા કરે, એ સારું લાગે ?!
તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?
સુનીલ શાહ