દીપમાં અજવાસ જેવું ક્યાં હતું ?
રોશનીમાં પ્રાસ જેવું ક્યાં હતું ?
બે જણા પાછા મળ્યા, પાછા લડ્યા,
વાતમાં ઇતિહાસ જેવું ક્યાં હતું ?
શી રીતે અવસર અહીં ઉત્સવ થશે,
ભીતરે ઉલ્લાસ જેવું ક્યાં હતું ?
એટલે નોખાં છે વર્તુળ સૌનાં અહીં,
એક સરખા વ્યાસ જેવું ક્યાં હતું ?
આભનો વિસ્તાર પણ ઓછો પડ્યો,
પાંખને સંન્યાસ જેવું ક્યાં હતું ?
સુનીલ શાહ