એ તડપ લઈ જીવવું ગમતું નથી,
બે કિનારે થઈ જવું ગમતું નથી.
બોલવાનું હોય ત્યાં બોલી જ દઉં,
મૌન રહી મન બાળવું ગમતું નથી.
એટલે તો હું પતાસાં વ્હેંચું છું,
સુખ, મને સંતાડવું ગમતું નથી.
કેટલાં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
સ્વપ્ન નામે–ઝૂરવું ગમતું નથી.
બસ, અદાકારી મને ના જોઈએ,
સીધું કહી દે, ‘ચાહવું ગમતું નથી.’
શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ,
કોઇને ઉતરી જવું ગમતું નથી.
સુનીલ શાહ

કોણ એને સાંભળે આ ગૂંગળાતા શ્હેરમાં ?

