Archive for the 'ગઝલ' Category

ઈરાદો રાખજો સીધો

cat

દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

હકીકત એ જ છે કે કૌરવો સામે મળે છે રોજ,
છતાં હસ્તો ચહેરો રાખવાનો દંભ મેં કીધો !

નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો !

બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

સુનીલ શાહ

પહેલાં એ ચકાસો

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

સુનીલ શાહ

પ્રતીક્ષા થતી રહી

એના જવાથી રોજની પીડા થતી રહી,
એની હયાતીની જ્યાં ઉપેક્ષા થતી રહી.

ચાતક જુએ છે જેમ અહીં ખાલી વાદળાં,
દરરોજ એમ એની પ્રતીક્ષા થતી રહી.

ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

આંખો ક્ષિતિજને જોઈ રહી એ જ શોધવા,
કે ચાંદ પૂર્ણ ઊગે એ ઈચ્છા થતી રહી.

કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

સુનીલ શાહ

ઘવાયું છે કશું..

 

મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

આંગણે લ્યો, સાથિયા પૂરી અમે બેઠા છીએ,
તોય દીવા જેવું તારાથી લવાયું છે કશું ?

આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

હું સતત શોધી રહ્યો છું ફૂલમાં તુજને પ્રિયે,
મ્હેંકના આ મ્હેલની અંદર છુપાયું છે કશું.

તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

સુનિલ શાહ

ખાસ્સું જિવાયું..!

eye

આંખમાં જળ જ્યાં સમાયું,
ત્યાં સરોવર ઓળખાયું.

શ્વાસ સાથે શું ભરાયું ?
કે હૃદય પણ દોરવાયું !

એ સમંદર થઈ ગઈ પણ,
મોજું તારાથી થવાયું ?

હું સમેટી બેઠો ખુદને,
કે તમસ ભીતર છવાયું.

છે અકળ પોલાણ ભીતર,
કોઈથીયે ક્યાં ભરાયું ?

આ જીવન મૃગજળ સમું છે,
તોય લે, ખાસ્સું જિવાયું !

સુનિલ શાહ

છંદ વિધાન : ગાલગાગા | ગાલગાગા

રસ્તો થઈ જશે

123

પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે,
માપવાનો ખુદને, મોકો થઈ જશે.

એક બારી હું ઉઘાડું, એક તું,
સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

તું પુરાવા પ્રેમના માંગીશ ના,
સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
છાંયડો કોઈને ઓછો થઈ જશે.

તું વહે છે, તો વહ્યા કરજે સતત,
ભીતરી મૃગજળનો દરિયો થઈ જશે.

સુનિલ શાહ 

ચૂકી જવાયું છે…

દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે,
હૃદયને ઠારવાનું આખરે ચૂકી જવાયું છે.
 
તને, લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ્ લઈને,
હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે.
 
બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
 
તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.
 
વહે છે ગૂંગળાઈને હજીયે બંધનોના નીર,
કિનારા તોડવાનું આખરે ચૂકી જવાયું છે.
 
જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.
 
સુનિલ શાહ 

શોધી રાખજે

 

પાંપણોની ભીતરે ચોપાસ શોધી રાખજે,

તું ટપકતાં આંસુનો ઈતિહાસ શોધી રાખજે.

 

સ્નેહનો દરિયો વહે છે આયખાને આંગણે,

પી શકું સઘળું, તું એવી પ્યાસ શોધી રાખજે.

 

ફૂલ ભમરાને લઈ લે બાથમાં, એ રીતે તું,

આપણી વચ્ચે નવો વિશ્વાસ શોધી રાખજે.

 

સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,

જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

 

લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,

આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

સુનિલ શાહ

 

સક્ષમ નથી

 

images

 

હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,

પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.

 

શ્વાસ પાંખોમાં દબાવી ડાળ પર ઝૂલે વિહંગ,

એય જાણે છે, અહીં રહેવાનું તો કાયમ નથી.

 

મારા નાજુક સ્પર્શથી વિહ્વળ પ્રિયે તું ના થતી,

હું તને તરછોડું, એવી વાતમાં કૈં દમ નથી.

 

સ્વપ્નની સાથે બનાવી રાખવા દૂરી અમે,

પાંપણો રાખી છે ખુલ્લી, એનો કોઈ ગમ નથી.

 

માત્ર વિસ્તરવું કશાયે કામનું હોતું નથી,

રણ, તું પગલાં સાચવી શકવા હજી સક્ષમ નથી.

 

સુનિલ શાહ

 

ચૂમે છે પછી

 

223-1801

 

 

આ હવા જ્યાં પાંદડાના ગાલ ચૂમે છે પછી,
ડાળ સઘળી સ્નેહભીની થઈને ઝૂલે છે પછી.
 
તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.
 
કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.
 
એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.
 
ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
 તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
 
સુનિલ શાહ

Next Page »