Archive Page 2

સક્ષમ નથી

 

images

 

હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,

પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.

 

શ્વાસ પાંખોમાં દબાવી ડાળ પર ઝૂલે વિહંગ,

એય જાણે છે, અહીં રહેવાનું તો કાયમ નથી.

 

મારા નાજુક સ્પર્શથી વિહ્વળ પ્રિયે તું ના થતી,

હું તને તરછોડું, એવી વાતમાં કૈં દમ નથી.

 

સ્વપ્નની સાથે બનાવી રાખવા દૂરી અમે,

પાંપણો રાખી છે ખુલ્લી, એનો કોઈ ગમ નથી.

 

માત્ર વિસ્તરવું કશાયે કામનું હોતું નથી,

રણ, તું પગલાં સાચવી શકવા હજી સક્ષમ નથી.

 

સુનિલ શાહ

 

ડર નથી..!– સુનિલ શાહ

થોડાં પ્રયત્ન પછી,

શેર માટીની ખોટને..

સહજ રીતે સ્વીકારનારા

અમે બંને–

કાળના ધસમસતા પ્રવાહમાં

ભૂલી ગયેલાં કે ઘડપણમાં શું…?

એકબીજાના પૂરક થઈ રહેવાની વાત તો

મીઠ્ઠી લાગે છે,

પણ…

એક ચક્ર થંભી જશે ત્યારે,

બીજા ચક્રનું શું..?

આ ડરામણો પ્રશ્ન થયો,

ને આંખ ખુલી ગઈ.

ઘસઘસાટ ઊંઘતી પત્ની તરફ

સહજ નજર નાંખી–

મનને આશ્વાસન આપ્યું..

‘ ભીડ વચ્ચે પણ ઘડપણ એકલું હોય

એવું બને છે જ ને ?

હોય છે એનેય,

ચિંતા ક્યાં નથી હોતી..?

હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં

અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–

કમસેકમ

કોઈ ઘરડાંઘરનો રસ્તો બતાવશે

એ ડર તો નથી…!’

ચૂમે છે પછી

 

223-1801

 

 

આ હવા જ્યાં પાંદડાના ગાલ ચૂમે છે પછી,
ડાળ સઘળી સ્નેહભીની થઈને ઝૂલે છે પછી.
 
તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.
 
કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.
 
એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.
 
ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
 તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
 
સુનિલ શાહ

મુક્તકો

images2

 

 

 સરળ ક્યાં છે રસ્તા ઉપર એકલા ચાલવાનું,

એ ગબડાવી દેશે, ક્યાં ઠેકાણું છે આ હવાનું !

કોઈ હાથ ઝાલી કરાવી દે જો પાર રસ્તો,

તો કારણ મળી જાય ત્યાં કોઈને ચાહવાનું.

 

***   ***   ***   ***

 

ચાતરેલા ચીલા પર ચાલીને તેં શી ધાડ મારી ?

ફૂલ સાથે કંટકો લાવીને તેં શી ધાડ મારી ?

તું હવાને રોકવામાં જો સફળ થઈ હોત તો ઠીક,

બાકી બારી–બારણાં વાસીને તેં શી ધાડ મારી ?

 

સુનિલ શાહ

 

 

સાચવું છું.

 

 

મળ્યા ઘાવની હું અસર સાચવું છું.

હૃદયમાં બધાની કદર સાચવું છું

 

છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર,

કૈં સપનાં હવે આંખ પર સાચવું છું.

 

પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,

હૃદયમાં, હજી એ નજર સાચવું છું.

 

લગાતાર હું છેતરાયો વસંતે,

ને તેથી, સતત પાનખર સાચવું છું.

 

સનાતન છે આ દર્દ મારું, એ કારણ,

હજી આંસુઓને ભીતર સાચવું છું.

 

તમે આમ અધવચ ગયા હાથ છોડી,

છતાં, યાદની હું સફર સાચવું છું.

 

છે, અકબંધ યાદો તમારી સૌ ખૂણે,

હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું.

 

સુનિલ શાહ

 

નથી શકતો

 

 

 

તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
*
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.

 

દીવાને રાખવાનાં સૌ પ્રયત્નો છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

 

નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર ?
હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.

 

જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

 

ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

 

જશે, ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

 

સુનિલ શાહ

 

(* તરહી પંક્તિ)

 

હતા

 

તમારાં હતાં કે, અમારાં હતાં,

આંખથી નીકળ્યાં આંસુ, ખારાં હતાં.

 

ના વહ્યાં સાથે તો પણ હું જાણી ગયો,

જળની સાથે સદાયે કિનારા હતા.

 

આંખમાં એની લાગે છે, વાદળ હતું,

ક્યાંક વરસાદના ઈશારા હતા ?

 

પ્યાસ મારી બુઝાવી શક્યો ના કદી,

જે મળ્યા તે સમંદર તો ખારાં હતા.

 

ભીતરે તો ખળભળતા લાવા હશે,

બ્હારથી જે ચમકતા સિતારા હતા.

 

સુનિ શાહ

પહેલું કદમ…..

————————

 (મિત્રો…મારી ગઝલ કોઈ સામયિકમાં છપાઈ હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. લુણાવાડા, જિ.પંચમહાલથી પ્રગટ થતા ‘કવિ’ સામયિકે ઑગસ્ટ–૨૦૦૮નો અંક સુરતના કવિઓના વિશેષાંક (સંપાદનઃ કવિશ્રી બકુલેશભાઈ દેસાઈ તથા ડૉ. પ્રફુલ્લભાઈ દેસાઈ) તરીકે પ્રગટ કર્યો..તેનું વિમોચન તા.૭ સપ્ટે.ને રવિવારે કવિશ્રી નયનભાઈ દેસાઈના હસ્તે સાહિત્ય સંગમ–શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત હૉલમાંથયું. તંત્રીશ્રી મનોજકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે યોજાયેલ મુશાયરામાં મને પણ ગઝલ રજૂ કરવાની સૌ પ્રથમવાર તક મળી..આ બેવડો આનંદ આપની સમક્ષ વહેંચું છું. આ ગઝલ આપે અહીં  તથા  ટહુકો.કૉમ પર માણી હતી. આપ સૌના આશિર્વાદ–શુભેચ્છાઓ તથા માર્ગદર્શન સતત મળતાં રહેશે તેવી મને શ્રદ્ધા છે.)

ફૂલ માન્યા..

——————————

ફૂલ માન્યા એ જ કંટક થાય છે,

એટલે, ઘરડાંઘરો સર્જાય છે.

 

ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?

સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.

 

કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,

મંદીરોમાં માનવી ઉભરાય છે ?

 

અંશ એનો ક્યાંય મળવાનો નથી,

જે સતત ભીતરેથી બળતો જાય છે.

 

આભ ફાટયું છે જુઓ સંબંધનું,

એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

 

ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,

માતૃભાષા એટલે બોલાય છે.

 

સુનીલ શાહ 

 

ત્યારે આવજે

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.

ખોખલો આધાર લઈ ઊડે છે તું,

આભથી પટકાય ત્યારે આવજે.

 

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,

મૌન જો સમજાય ત્યારે આવજે.

 

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,

કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

 

તેં સમજના દ્વારને વાસી દીધા,

અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

 

મેં લખી છે આપવીતી, આમ તો,

વેદના વંચાય ત્યારે આવજે.

 

સુનીલ શાહ

 

« Previous PageNext Page »