બે ગઝલો…

મિત્રો,
વ્યસ્તતા વચ્ચે જાન્યુઆરી ખાલી ગયો તેથી બે ગઝલો એક સાથે….
(૧)
શું દેવું એ વિચારી, દઉં છું સાદી ચીજ તમને,
હું મારી ઊર્મિઓનું દઉં છું આ તાવીજ તમને.

ખબર નહીં, મન વિશે પૂછો છો કે કૈં કહી રહ્યા છો ?
છતાં લ્યો, લાગણીની દઈ રહ્યો તારીજ તમને.

અવાજો શ્વાસના નહિ પણ, હૃદયના હોય ત્યારે,
તમારે માનવાનું કે, મળ્યા છે નીજ તમને.

અમે તો વ્હાલથી પૂછયું હતું કે, કેમ છો ? પણ,
થયા ગુસ્સે, મુબારક હો તમારી ખીજ તમને !

કદી ફેલાય નહિ આ વૃક્ષ સમ જીવન અમસ્તું,
ફળે છે આવનારી ક્ષણ, ફળે જો બીજ તમને

(૨)

તમે આવ્યાં, અમે ઊભા થયા એથી વધારે શું !
નવા સંબંધનાં રસ્તા થયા એથી વધારે શું !

બધો વૈભવ અમે તો તમને દઈ બેઠાં હકીકતમાં,
અમે અડધાનાં પણ અડધા થયા, એથી વધારે શું !

સમય સહુને રમાડે છે રમતની જેમ જીવનભર,
કદી પાણી, કદી પોરા થયા, એથી વધારે શું !

નિભાવ્યે જાઉં છું સંબંધ હું તો લાગણીપૂર્વક,
તમારી દૃષ્ટિએ સસ્તા થયા, એથી વધારે શું !

ખબર ન્હોતી, હશે આ આભ આખેઆખું ખરબચડું,
ઉઝરડા પાંખના આળા થયા એથી વધારે શું !

સુનીલ શાહ

ધ્યાન ક્યાં છે ?

ક્યાં જુએ છે દોસ્ત, તારું ધ્યાન ક્યાં છે ?
એ જ ને કે, આ જગતમાં સ્થાન ક્યાં છે ?

કેટલી સંપત્તિ તેં ભેગી કરી’તી,
આખરી મુકામ પર સામાન ક્યાં છે ?

પાન તો ખરવાનું છે એના નસીબે,
વૃક્ષનું એમાં કશે અપમાન ક્યાં છે ?

ગોળ ફરતી માછલી વીંધાશે ક્યાંથી,
તીર છે પણ દોસ્ત, એ સંધાન ક્યાં છે ?

કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક,
આપણી પાસે ભલા, એ કાન ક્યાં છે ?
સુનીલ શાહ

સાચી ઉડાન છે.

આ જિંદગીનું પિંજરું નાની દુકાન છે,
ને સ્ટૉકમાં તો એક બે ટહુકાનો સાથ છે.

એના તો આગમનની અનોખી કમાલ છે,
કે સંભળાય પગરવો, જાણે અઝાન છે !

છે ખાતરી કે દીવો પ્રગટ થઈ જવાનો છે,
આ વાટ પરનાં રૂ કને તણખાનું વ્હાલ છે.

ઘરમાં કરોળિયાનાં આ જાળાં પૂછી રહ્યાં,
ખંડેર થઈ ગયેલા આ મનનો પ્રતાપ છે ?

આંબી શકે શિખર તું અપેક્ષાનું જો કદી,
તો કોઈના એ સ્નેહની સાચી ઉડાન છે.

કોફિનમાં રહેવું એટલે ફાવી ગયું મને,
બારી વગરના ઘરમાં રહ્યાની કમાલ છે !

સુનીલ શાહ

સધ્ધર જોઈએ

આપણી વચ્ચે કદી ના મત–મતાંતર જોઈએ,
પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ.

સાંજ ડૂબે એના પહેલાં તારો ઉત્તર જોઈએ,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.*

વૃક્ષ હો કે ડાળ હો, હો પાંદડાં કે ફૂલ; પણ,
દોસ્ત સઘળી ઋતુમાં ટહુકોય સધ્ધર જોઈએ.

જળ તને કઈ રીતે ફાવે શાંત રહીને જીવવું ?
વ્હેણને ખળભળ થવા એકાદ પથ્થર જોઈએ.

તું મળે તો બસ, પ્રતીક્ષા છો ને મેં લાંબી કરી,
મારે પૂરેપૂરું તો ક્યાં એનું વળતર જોઈએ !

આભ જેવું તું ઉઘાડેછોગ તો જીવી શકે,
આખરે માણસપણું ભીતરનું સધ્ધર જોઈએ.

(*તરહી પંક્તિ: મનહરલાલ ચોકસી)
સુનીલ શાહ

ફાવે નહિ

છો ને મંઝિલ મનગમતી આવે નહિ,
પાછી પાની કરવાનું ફાવે નહિ.

એનું તો ક્યાં કૈં ખર્ચાવાનું છે ?
ખિસ્સામાં જે સપનાંઓ લાવે નહિ !

તડકો ઓઢીને ફરનારું આ વૃક્ષ,
માણસને કાં કંઈપણ સમજાવે નહિ ?

સુખનો અવસર ક્યાંથી આવે અંદર ?
મનની ભીંતોને તું તોડાવે નહિ !

ખાલી રક્ષા બાંધ્યાનો મતલબ શો ?
જ્યાં લગ તું વ્હાલપને બંધાવે નહિ.
સુનીલ શાહ

નથી હું છોડવાનો

નથી હું છોડવાનો એ પ્રયત્નોને કદી પણ,
ભલે દીવાલને તોડી નથી શક્યો હજી પણ.

મળે જો હાથને મારા, મુલાયમ સ્પર્શ તારો,
નથી જોવી પછી આ હસ્તરેખાઓ જરી પણ.

ખરેખર માર્ગ અઘરો છે ઘણોયે સાધનાનો,
પડે છે એ બધુંયે જાણવા ઓછી સદી પણ.

થશે અહીં તોરણોમાંથી જ કૈં તહેવાર જેવું,
તમે આવી જુઓ, આવી જશે એવી ઘડી પણ.

ગમે છે તર્કથી સઘળીયે ઘટનાઓને જોવી,
ભળે જ્યાં લાગણી, ત્યાં જોઉં છું જુદું કરી પણ.

સુનીલ શાહ

હવે ટાળીએ

આ વ્યથાના પવનને જરા વાળીએ,
મહેલ પત્તાનો છે, સ્હેજ સંભાળીએ.

એ વિચારીને ક્યાં કૂંપળો ફૂટે છે,
કાલ સન્માન મળશે મને ડાળીએ !

માત્ર પુષ્પો જ પુષ્પો મળે, ચો-તરફ,
ચાલ, એવીય થોડીક ક્ષણ ગાળીએ

શું હતું ક્યાં ગયું એ જ ચિંતા કરી,
છેક છેલ્લે સુધી, જીવ ના બાળીએ.

દોસ્ત, માળા કે ગજરો બનાવો નહીં,
ફૂલને છેદવાનું હવે ટાળીએ.

સુનીલ શાહ

સગપણોની નદી

શુષ્ક થઈ છે બધા સગપણોની નદી,
આંગળી છોડીને જ્યારે ગઈ લાગણી.

આ ખુશી એથી ઝટ દ્વારે આવી ચઢી,
ફૂલથી ખોબો રાખ્યો હતો મેં ભરી.

ક્યાંથી એ રોજ ટહુકાઓ સમજી શકે,
કાન ને મનની વચ્ચે તો છે કાંકરી !

તપ્ત રેતી અને ઝાંઝવા સામે છે,
ભીતરે થાય ક્યાંથી ખરી વાવણી ?

રોજ એને ઉડાડો, ફરી આવશે,
કોણે રોપી કબૂતરમાં આ લાગણી ?
સુનીલ શાહ

તો શું કરવું કે’ મને ?

 

આવે તો આવે, ન આવે તો શું કરવું, કે’ મને ?
સુખ છે, એ ઉલ્લુ બનાવે તો શું કરવું, કે’ મને ?

રણ વચાળે રથ ઉભો જ્યાં યુદ્ધ માટે; કે તરત,
સગપણો દ્વિધા જગાવે તો શું કરવું કે’ મને ?

વૃક્ષ કેવી માવજતથી સાચવે છે પર્ણને ?
કોઈ ડાળીને હલાવે તો શું કરવું, કે’ મને ?

જોઇએ છે આમ તો અહીં છાંયડો સહુને છતાં,
બીજને કોઇ ન વાવે તો શું કરવું કે’ મને ?

સાંભળી છે વાત બહુ, એના ઋજુ ચહેરા વિષે
પણ, એ ઘૂંઘટ ના ઉઠાવે તો શું કરવું, કે’ મને ?
સુનીલ શાહ

 

સમજ્યા વગર

છોડ લખવાનું હવે સમજ્યા વગર,
શબ્દ, સાર્થક ના ઠરે ખુલ્યા વગર.

હોય છે પ્રત્યેક માણસમાં નવું,
પણ, કશું સમજાય નહીં હૈયા વગર !

આમ, ઊભા રહી જવું પોષાય નહીં,
ચાલશે નહીં કોઈને, ચાલ્યા વગર !

એ ખૂબી છે એક મીઠા સ્મિતની,
કે, કરી દે તરબતર વરસ્યા વગર !

અર્થ કલરવનો પછી સમજાવજે,
આવ પહેલાં વૃક્ષને કાપ્યા વગર.
સુનીલ શાહ