Monthly Archives: નવેમ્બર, 2007

આજે

ચાલ પાછો પ્રહાર કર આજે,

ને સળગતો વિચાર કર આજે.

 

ફૂલનો હાર ગૂંથી બેઠો છું,

પ્રેમનો એકરાર કર આજે.

 

રેતથી ઘર બનાવીને જો તું,

કાલનો એતબાર કર આજે.

 

આમ તારા નયનને ના ભીંજવ,

સાંજને તું સવાર કર આજે.

 

હાથમાં તો મહેંદી લાગી છે,

પ્રીત છે, તો *કરાર કર આજે.

(ગાલગા ગાલગાલ ગાગાગા)

સુનીલ શાહ

(*કરાર–કબૂલાત)

 

Advertisements

જીવન ઘડાતું હોય છે–સુનીલ શાહ

શબ્દને ઢાળી ગવાતું હોય છે,

મૌનને માણી લખાતું હોય છે.

 

જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?

હર વખત તેમાં રડાતું હોય છે.

 

યાદ આવે તું વરસતા વાદળે,

ને મીઠું સપનું મઢાતું હોય છે.

 

કોતરે છે ટાંકણું સંજોગનું,

એટલે જીવન ઘડાતું હોય છે.

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

આજનું શું..?–સુનીલ શાહ

કાલની ચિંતા કરીએ, આજનું શું?

ભીતરેથી ઊઠતા એ સાદનું શું?

 

મોતનું તો આવવું ક્યાં નક્કી છે પણ,

તારલા ખરતાં રહે તો આભનું શું?

 

સાવ વિખૂટા થઈ જઈએ મંઝિલથી,

તો નજાકતથી વળગતી આશનું શું?

 

કીધું છે યમરાજને તું આવ જલદી,

મૂળિયાં છૂટી ગયા છે, ડાળનું શુ?

 

તારી કવિતાનું તો વળગણ છે મને, પણ

કાફિયે સંતાઈ બેઠા રાઝનું શું?

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

મુક્તક

તમારે આંગણે હું ચપટી ધૂળ લાવ્યો છું

ઘસીને આમ તો ધરતીનું મૂળ લાવ્યો છું

અમારી આત્મકથા એકવાર સાંભળજો

હતી જે લાગણીઓ તેનું શૂળ લાવ્યો છું

પ્રથમ અક્ષર..

વડીલો અને મિત્રો,

આપ સૌ સમક્ષ મારી કવિતાઓ મૂકવાનો આ સાથે પ્રારંભ કરું છું. અલબત્ત આ બ્લોગ અલગ હેતુથી શરુ કર્યો છે. મારી રુચી ગઝલ સર્જન તરફ વધારે રહી છે. ગઝલો નિયત બંધારણ–છંદમાં લખતાં લખતાં હું જે ભૂલો કરું છું તે ભૂલો તરફ જાણકારોએ આંગળી ચીંધતા રહેવાનું છે. મારી કોઈપણ કૃતી સંપુર્ણ છે એવો દાવો હું કરીશ નહીં પણ તેને વધુ સારી બનાવવા માટે તેની ખામીઓ બાબતે મને સંકોચ રાખ્યા વગર બેધડક સૂચનો કરવા વિનંતી છે. જે તે કૃતિની નીચે કોમેન્ટ બોક્ષમાં શું ન ગમ્યું, કઈ પંક્તિ કે શેર નબળો લાગ્યો યા કયો શબ્દ બંધબેસતો લાગતો નથી અથવા આ શબ્દને બદલે પેલો શબ્દ વધુ સારો લાગે. તદુપરાંત આ પંક્તિ જો આ રીતે લખી હોય તો વધુ સારુ લાગે તેવું માર્ગદર્શન મને મળતું રહે તે આ બ્લોગનો મુખ્ય હેતુ છે. આ પ્રકારનો આ પ્રથમ બ્લોગ હશે તેમ માનું છું. અન્ય નવોદિતો અહીની ચર્ચા પરથી નવી નવી જાણકારી મેળવી  પોતાના કાવ્યસર્જનને વધુ અસરકારક બનવી શકે તે બીજો હેતુ છે. હું માનું છું કે નબળી, ભુલ ભરેલી રચનાઓ પર પણ ‘વાહ વાહ‘ મળતી રહે અને કવી છેતરાતો રહે એ કરતાં ભલે કોઈ કાન આમળીને ભુલો બતાવે–સુધારાવે તો સાહીત્યની કુસેવા થતી અટકે. આશા રાખું છું કે, જાણકાર વડીલો અને મિત્રો  તરફથી મને હુંફ મળતી રહેશે..મારો સીધો સંપર્ક sunras2226@yahoo.co.in પર સાધી શકશો.

સુનિલ શાહના વંદન

,