ઊડીને આવીએ…

ચાલ આકાશમાં ઊડીને આવીએ,

એક તારાને તો ચૂમીને આવીએ.

 

જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,

દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.

 

કેમ નડતર થયું ચાંદને મારગે,

એ ગ્રહણને જરા પૂછીને આવીએ.

 

ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,

લાગણીના બળે ઊઠીને આવીએ.

 

રોજની આ તડપ, ને વ્યથાની કથા,

થાય છે, આ બધું ભૂલીને આવીએ.

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

                                           સુનીલ શાહ

Advertisements

9 responses

 1. રોજની આ તડપ, ને વ્યથાની કથા,
  થાય છે, આ બધું ભૂલીને આવીએ.

  સરસ રચના છે સુનિલભાઈ!

  છંદ આ એક-બે જગ્યાએ તૂટે છે એમ લાગે છેઃ

  બીજા શેરમાં “પૂર્વગ્રહો” નું માપ “ગાગાલગા” લીધું છે પણ ઉચ્ચારની દ્રષ્ટિએ એનું માપ “ગાલલગા” વધું યોગ્ય લાગે છે.

  ચોથા શેરની પહેલી પંક્તિમાં “સ્વપ્નો” શબ્દ વપરાયો છે એના સ્થાને ગાલગા માપમાં કશુંક હોવું જોઈએ, જેમ કે “સ્વપ્ન સૌ”

 2. કાવ્ય / ગઝલમાં જ્યારે અનાયાસ પણ એક ક્રમ યોજાઈ જતો જોવા મળે ત્યારે રચના વધુ શોભે છે.

  આમાં આરંભ આકાશના ઉંડાણે જઈને છેક તારાને મધુર સ્પર્શ કરી આવવાની વાત હતી. ત્યાંથી ચંદ્ર જેટલે નજીક આવવાનું થયું. જ્યાં ચંન્દ્રના ડાઘની વાત અને “જવા દોને કોઈની વાતમાં શું પડવું ?” કે “એવા પુર્વગ્રહો વળી ક્યાં રાખવા ?” એવી વાત કરી. તોય જતાં જતાં (આમ તો પાછાં વળતાં વળતાં !) વળી ચન્દ્રના ગ્રહણની ચીંતાય કરી લીધી; પણ છેવટ માનવ સહજ રીતે ચન્દ્ર પરથી પોતાના જ પ્રશ્નો ઉપર આવી જઈને રોળાઈ ગયેલાં સ્વપ્નની નીરાશામાંથી ઉભા થવાની અને છેવટે
  આ બધી પળોજણો ત્યાં જ મુકીને આવતાં રહેવાનું બને છે !!

  આકાશી સફર આમ તો ચુમવાની વાતથી નક્કર ધરતી પર આવી જવાની કથા બની રહે છે !! આવો એક ક્રમ સહજતાથી ઉભો થયેલો જોવા મળ્યાનો આનંદ થયો છે.

  હેમંતભાઈની વાતે સહમત છું. એ ક્ષતીઓ છે જ. પણ હવે સર્જકો લઘુ-ગુરુની કે માત્રાની ગણતરીઓની પરેજી પાળતા નથી ! એમને એમની સત્તાઓ એમને મુબારક !!

 3. હેમંતભાઈએ જે ક્ષતીઓ બતાવી તે બદલ આભાર.“સ્વપ્ન સૌ” નું તમારું સુચન ગમ્યું. મુળ રચનામાં ‘સ્વપ્નો પણ’ હતું પરંતું ટાઈપ કરતી વખતે રહી ગયું..ધ્યાન દોરવા બદલ આભાર. સુધારી લીધું છે. જો કે ’પૂર્વગ્રહો‘ શબ્દના માપ બાબતે મારી અજ્ઞાનતા જવાબદાર છે. તે માટે અન્ય શબ્દ વીચારીશ. લઘુ–ગુરુ માત્રાઓની મારી ભુલો માટે અલ્પજ્ઞાન જવાબદાર છે. પણ અહીં માર્ગદર્શન મળતું જશે તેમતેમ સુધારો થશે. હજુ છંદમાં લખવાની–શીખવાની શરુઆતને ત્રણેક મહીના જ થયા છે. જુ.ભાઈ..આભાર.

 4. સુનીલભાઈ કવીતાનો ‘ક તમે બહુ સરસ રીતે ઘુંટી રહ્ય છો!

  કલ્પનામાંથી વાસ્તવીક્તા પળ ઝળકે છે.

 5. બહુ જ સરસ અને જીંદાદીલીવાળો વીચાર.

 6. બહું જ સરસ લખ્યું છે. આમ વ્યથાને ભુલી જવાય તો કેટલું સારું.

  રોજની આ તડપ, ને વ્યથાની કથા,

  થાય છે, આ બધું ભૂલીને આવીએ.

 7. ગઝલ ગમી
  તેમા
  જૂની છે એ ખબર,ચાંદમાં દાગ છે,
  દોસ્ત! પૂર્વગ્રહો મૂકીને આવીએ.
  કેમ નડતર થયું ચાંદને મારગે,
  એ ગ્રહણને જરા પૂછીને આવીએ.
  માનવ તટસ્થપણે પોતાનાં દોષો,ખામીઓ,નબળાઈઓને તપાસે,ભૂલોનો એકરાર કરે,પ્રાયિશ્ચત કરે,દિલમંદિરને શુદ્ધ બનાવે.વ્યસનો,વિકારો, દુવૃર્ત્તિઓ,આગ્રહો,પૂર્વગ્રહો,નફરત મુકત બને.
  તો પરમાત્માની પ્રાર્થના કરવાની સુગમતા રહેશે.

 8. ચાલ આકાશમાં ઊડીને આવીએ,
  એક તારાને તો ચૂમીને આવીએ.

  gr88888

 9. રોજની આ તડપ, ને વ્યથાની કથા,
  થાય છે, આ બધું ભૂલીને આવીએ.

  -ખૂબ સુંદર વિચાર… ગઝલમાં હવે ઊંડાણ ખાસ્સું વર્તાવા માંડ્યું છે, મિત્ર! સતત ઉપર ઊઠતા રહો એવી શુભકામનાઓ..

  છંદની બાબતમાં હેમંતભાઈ સાથે હું સહમત છું. છંદ-શુદ્ધિનો આગ્રહ હંમેશા રાખવો જ. ફલાણા સિદ્ધહસ્ત શાયરો છંદની સીમાઓ અતિક્રમી જાય છે તો હું શું કામ નહીં નો પૂર્વગ્રહ વિકાસના રસ્તાની આડખીલી સમાન છે. જો તોડવા જ હોય તો પછી છંદની જરૂર જ શા માટે? મારી નજરે એ જ શાયર સિદ્ધહસ્ત શાયર છે જે મૃત્યુ પર્યંત પોતાને નવોદિત જ ગણીને દરેક કૃતિ પાછળ એજ મહેનત કરતો હોય જે પહેલી કૃતિ પાછળ કરી હોય…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: