રેખા ફળી છે ક્યાં..?

હથેળી ખોલીને તું જો, બધી રેખા ફળી છે ક્યાં?

લખાઈ એટલી વાતો કદી સાચી પડી છે ક્યાં?

 

અચાનક કોઈ આવ્યું ને, વ્યથા છોડી ગયું કેવી..!

ભરેલી લાગણીઓને વરસવાની ઘડી છે ક્યાં?

 

સમાવ્યું એટલું ભરચક, કે છલકાયું દરદ આંખે,

રગેરગમાં ફરે છે જે, એ પીડાને ગણી છે ક્યાં?

 

સમય, સંજોગથી પર તો કશું હોતું નથી અંતે,

છતાં વરસો પછી પણ જો, લીટી લમણે પડી છે ક્યાં?

 

ભરીને ડૂમો બેઠું જે, અજાણ્યું કોઈ વાદળ છે,

જરા વરસી જુએ થોડું, પછી ઓળખ નવી છે ક્યાં?

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. સુંદર ગઝલ છે સુનીલભાઈ! આ છંદની મજા જ અલગ છે.

 2. ખૂબ સરસ સુનીલભાઈ.. મત્લા નો શેર અને

  સમાવ્યું એટલું ભરચક, કે છલકાયું દરદ આંખે,
  રગેરગમાં ફરે છે જે, એ પીડાને ગણી છે ક્યાં?

  આ બનેં શેર ખૂબ ગમ્યા..

 3. “ભરીને ડૂમો બેઠું જે, અજાણ્યું કોઈ વાદળ છે,
  જરા વરસી જુએ થોડું, પછી ઓળખ નવી છે ક્યાં?”

  વ્યથાનું બહુ જ સરસ નીરુપણ …

  પણ જીવનમાં એમેય બનતું હોય છે કે, ડુમો વરસે અને ઓળખાણ જુની હોય તો પણ એ વરસવાનો કોઈ અર્થ રહેતો નથી.

  આ સંદર્ભમાં શેખાદમ આબુવાલાની ‘વ્યથા’ પરની ગઝલ યાદ આવી ગઈ, જેમાં વ્યથાનું ગૌરવ બહુ સરસ રીતે આલેખીત થયું છે . હરિહરનના સ્વરમાં એ ગઝલ સાંભળીએ ત્યારે વ્યથાને જાતે જ જીરવવાની પ્રેરણા મળે છે ……

  ‘ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું દીલથી સભર?
  ક્યાંક ઉની આહ થઈને, હોઠે તું આવી જાય ના.’

 4. હથેળી ખોલીને તું જો, બધી રેખા ફળી છે ક્યાં?
  લખાઈ એટલી વાતો કદી સાચી પડી છે ક્યાં?

  – ખૂબસૂરત મત્લો… ગઝલ-છંદ-શેરિયત બધું સપ્રમાણ ચાલે છે.

 5. સુંદર ગઝલ
  ભરીને ડૂમો બેઠું જે, અજાણ્યું કોઈ વાદળ છે,
  જરા વરસી જુએ થોડું, પછી ઓળખ નવી છે ક્યાં?
  ગમી
  પણ મ્ત્લાનો શેર વાર્ંવાર વાગોળ્યો
  હથેળી ખોલીને તું જો, બધી રેખા ફળી છે ક્યાં?
  લખાઈ એટલી વાતો કદી સાચી પડી છે ક્યાં?
  યાદ આવી રમેશની
  અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
  પછીથી હાથની રેખા બનીને અટકે છે.
  ત્યારે અનામી
  ઉત્તમ હતુ કે ભાગ્ય પર
  નૌકાને છોડવી હતી,
  નાવિક શા કામનો
  હવા જે પારખી શકે નહીં.
  અને મહાબળવાન ભાગ્ય ફળે તો!
  બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
  અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન !

 6. સરસ ગઝલ.. મત્લાનો શેર વધુ ગમ્યો !

 7. સુનીલ!
  સારી લખાઈ છે ગઝલ હો!
  એક તો છંદની રવાની જ સુંદર છે અને એમાં માંડણી સરસ થાય તો કવિને ય પોતાના ઉપર કાબૂ કરવો પડે !!(-કે હવે બસ !,બહુ શૅર થઈ ગયા !!)મને એ અનુભવ ઘણીવાર થયો છે!!!!
  હાથ,હથેળી,હસ્તરેખા એ વિષે બધા કવિઓએ કૈંક -ક્યાંક તો લખ્યું જ છે!

 8. “ભરીને ડૂમો બેઠું જે, અજાણ્યું કોઈ વાદળ છે,
  જરા વરસી જુએ થોડું, પછી ઓળખ નવી છે ક્યાં?”

  ખૂબ જ સરસ…. સાચે જ મજા આવી ગઈ ….!!

 9. વાહ..સરસ..અન્તિમ શેર ..! વધુ સ્પર્શેી ગયો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: