એટલું ઝીલી શકો

હોય ખોબો એટલું ઝીલી શકો,
આખો દરિયો ના કદીયે પી શકો.

જો તરસનું નામ લોહીથી લખો,
તો તમે વાદળને વરસાવી શકો.

સ્મિતનું આપ્યું’તું એણે એક ગુલાબ,
મ્હેક લઈને એટલી, જીવી શકો.

આખરી જો શ્વાસ હો તો ઠીક છે,
રોજ બાકી કેટલું હાંફી શકો ?

પળ તબક્કાવાર સચવાઈ જશે,
કાલ સાથે આજ જો જોડી શકો.

આયનો ઈતિહાસનો ક્હી જાય છે,
શસ્ત્રથી ના કોઈ દિલ જીતી શકો.

માળિયું મનનું થશે ચોખ્ખુંચણાક,
ધૂળ નફરતની જો ખંખેરી શકો.
સુનીલ શાહ
(માર્ચ–૨૦૧૦)

27 responses

  1. સરસ ગઝલ. બધા શેર ગમ્યા.

    આખરી શેરમાં

    ‘ધૂળ નફરતની તમે ખંખેરી શકો’

    ને બદલે

    ‘ધૂળ નફરતની જો ખંખેરી શકો’

    એવું કશુંક કર્યું હોય તો છંદ અને રવાની વધુ સરસ રીતે જળવાય એવું લાગે છે.

    અને એ માત્ર ‘તમે’ ને બદલે સ્વ સાથે દરેકને આવરી લઈ વધુ વ્યાપક પણ બની શકે એવું લાગે છે.

    1. પ્રિય પંચમભાઈ,
      તમે અંતિમ શેરમાં છંદદોષ તરફ ધ્યાન દોર્યું તે બદલ હ્યદયથી આભાર…સુધારી લીધું છે.

  2. विधेयात्मक विचारोना सुनील-प्रपातनो वधु एक राशि! खरे ज तने हार्दिक धन्यवाद, सुनील. तारी रचनाओमां एकएकथी चडे तेवी विचारकणिकाओ होय छे. दुनियामांथी नफ़रत हटावीने स्वर्ग धरती पर आणी शकाय एवो उमदा आशावाद छे. इतिहासना आयनामां अतीतने निहाळीने नवा इतिहासना घडवैया थवानो सन्देश सुनील ज आपी शके. आफ़रीन! ઈતિહાસ नहि पण ઇતિહાસ एम ह्रस्व-इवाळी जोडणी जोईए एटलुं जरूर कहीश!

  3. ભાઈ સુનીલ,
    ગઝલની અભિવ્યક્તિ બહુ જ સુંદર થઈ છે – અભિનંદન.

  4. સરસ! સરસ! ખૂબ સરસ!

  5. પળ તબક્કાવાર સચવાઈ જશે,
    કાલ સાથે આજ જો જોડી શકો.

    very nice…vah

  6. ખૂબ જ સુંદર ગઝલ…

    બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

    આખરી જો શ્વાસ હો તો ઠીક છે,
    રોજ બાકી કેટલું હાંફી શકો ?
    – આ શેર સવિશેષ સ્પર્શી ગયો…

  7. માળિયું મનનું થશે ચોખ્ખુંચણાક,
    ધૂળ નફરતની જો ખંખેરી શકો.

    વાહ! ક્યા બાત હૈ!

  8. I got chance to open this site first time. I am glad I did.
    All shers are touchy but the last one we all need to apply in our daily life to avoid social clashes around us and beyond.
    Happy good writing, Sunilbhai.
    CHAMAN

  9. ગઝલ ગમી.
    આયનો ઈતિહાસનો ક્હી જાય છે,
    શસ્ત્રથી ના કોઈ દિલ જીતી શકો.
    સનાતન સત્ય.

  10. સરસ ગઝલ,વાંચી જે પળોમાં તે દરેક પળ આનંદ જ હતો.

  11. sunilbhai
    very nice gazal
    all share are good but last and second last share so good.
    saeed mansuri

  12. તમારી સુંદર ગઝલ થકી અત્યંત રાજીપો અનુભવ્યો. પ્રત્યેક શે’ર જામે છે હોં…સુનીલભાઈ !

  13. સુંદર
    આ શેર વધુ ગમ્યો

    માળિયું મનનું થશે ચોખ્ખુંચણાક,
    ધૂળ નફરતની જો ખંખેરી શકો.

    નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
    નફરતના વિષયુક્ત વાયુઓ સર્જાય છે તેમાં !
    દ્વેષની દૂષિત હવા ગોટાય છે મનના ઊંડાણમાં ! …

  14. આખી ગઝલ સરસ થઈ છે..

    આખરી જો શ્વાસ હો તો ઠીક છે,
    રોજ બાકી કેટલું હાંફી શકો ? આ વધારે ગમ્યો.
    સપના

  15. Enjoyed almost all shers of your nice Gazal!
    Sudhir Patel.

  16. માળિયું મનનું થશે ચોખ્ખુંચણાક,
    ધૂળ નફરતની જો ખંખેરી શકો.
    The metaphor is very beautiful and has succeeded to reach its objective.

  17. સરસ!
    આખરી જો.. અને માળિયું.. બંને શે’ર સરસ છે.

  18. કાજળ આંખમાં ઓપે,ભલેને કાળું હોય.
    સારું છે,લોકો આંખો જુએ,કાજળ નહીં.
    પરિચર્ચાઓમાં ભલેને કાજળ વખણાય.
    પણ કહો કાજળ હોય ને આંખો ન હોય?

    સાચું છે .’કવિતા’ શબ્દમાં’ક’ હોય.
    કવિતામાં ‘ક’હોય;’વિ”તા’ય હોય.
    એકલ ‘ક’ની કવિતા બની શું સાંભળી?
    કાજળકીકી સંગાથ,જીવનની ધૂપસળી.

    નજર ન લાગે;એકાદો ડાઘ લગાવી દ્યો.
    કવિતાનો ‘ક’રુપાળુ કાવ્ય બનાવી દ્યો.

  19. જો તરસનું નામ લોહીથી લખો,
    તો તમે વાદળને વરસાવી શકો.

    આખરી જો શ્વાસ હો તો ઠીક છે,
    રોજ બાકી કેટલું હાંફી શકો ?

    આખીય ગઝલ ખૂબ સરસ થઇ છે. એકદમ જામે છે. આ બે શેર બહુ ગમ્યા.

    Lata Hirani

  20. જો તરસનું નામ લોહીથી લખો,
    તો તમે વાદળને વરસાવી શકો.
    sundar..very nice she’r..

  21. સુનિલભાઈ,

    આખી જ રચના ખૂબ જ સુંદર છે. એમાં પણ આ લાઈન સ્પર્શી ગઈ…

    પળ તબક્કાવાર સચવાઈ જશે,
    કાલ સાથે આજ જો જોડી શકો.

    સંજોગો, પરિસ્થિતિ કે જીવનની કડવી વાસ્તવિકતાઓ બધું જ પચાવી શકાય. જો આ બે લાઈનના અર્થને આચરણમાં મૂકી શકીએ.

Leave a reply to pragnaju જવાબ રદ કરો