Daily Archives: ઓક્ટોબર 14th, 2010

પાછી પડી

 

ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી ?
આ હથેળી કાલ માફક, આજ પણ પાછી પડી.

જળસમું આ મન કદી સમજાયું નહીં હે જિંદગી !
સર્વ ઇચ્છાઓ જુઓ, વાદળસમી ફાટી પડી.

આમ ભીનો, આમ કોરો હોઉં છું હું રાતભર,
થોડી ઈચ્છા, થોડી પીડા, આમ લ્યો ઝાંખી પડી.

ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.

થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.

સુનીલ શાહ