Monthly Archives: ડિસેમ્બર, 2010

જો જાત ઝબોળીને

લે, હૃદય હું બતાવું ખોલીને,
તોય તું આવે ક્યાં છે દોડીને !

તું મળે, તો મળે છે એ રીતે,
ટીચવા આવે છે લખોટીને !

ટાંકણાની ફિકર કરે છે પણ,
કેમ છે, પૂછ્યું છે હથોડીને ?

પ્રેમનો અર્થ એમ ના સમજાય,
જો, પ્રથમ જાત ત્યાં ઝબોળીને.

એટલે રાખું છું કફન સાથે,
જઈ શકું જો સમય વળોટીને !

સુનીલ શાહ

Advertisements

એવો રિવાજ છે !

 

ભીતર ન સળગે; ચાલશે, એવો  રિવાજ છે,
બસ દ્વાર પર દીવો હશે, એવો  રિવાજ છે !

દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
છે શક્ય; એ રડાવશે, એવો  રિવાજ છે !

જ્યાં ચાલી નીકળો તમે નોખી જ રાહ પર,
કો’ રાહ જોતું રોકશે, એવો  રિવાજ છે !

જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
એ માત્ર ઢોલ પીટશે, એવો  રિવાજ છે !

પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
સૌ શબ્દ પાછા આવશે, એવો  રિવાજ છે !

બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
એ ખૂટશે ’ને તૂટશે, એવો  રિવાજ છે !

સુનીલ શાહ