Monthly Archives: જુલાઇ, 2012

એકધારી થઈ છે

આજે સાહિત્ય સંગમ, સુરત ખાતે યોજાયેલ  ‘તરહી મુશાયરા’માં રજૂ કરેલ ગઝલ……….

બધાની થઈ એ અમારી થઈ છે,
ન તૃષ્ણા કદી નિર્વિકારી થઈ છે.

પડી ભાત એવી પ્રથમ સ્પર્શની કે,
અસર જે થઈ, એકધારી થઈ છે !

પડ્યાં ટાંકણાંઓ બધાં સહેજ ટાંચાં,
જુઓ, શિલ્પની શી ખુવારી થઈ છે !

કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
કદી કોઈ બારી અટારી થઈ છે ?

ઝરૂખે ઊભા કે તરત તમને જોયાં,
* અમારી શરૂઆત સારી થઈ છે ! *
(* તરહી પંક્તિ– સંધ્યા ભટ્ટ)
સુનીલ શાહ

Advertisements

મ્હોરું હોય છે

કૈં યુગોથી એજ મ્હોરું હોય છે,
પથ્થરે ઈશ્વરનું પહેર્યું હોય છે.

આમ સપનું એ તો સપનું હોય છે,
કોઈ સપનું તોય નોખું હોય છે.

મારી છત્રી આજ થઈ ગઈ કાગડો,
દોસ્ત ! જીવનમાંય એવું હોય છે !

છે વરસતાં વાદળો જેવું આ સુખ,
ખાલી થઈ, આગળ જવાનું હોય છે !

એ અલગ છે, બેફિકર થઈ ચાલવું,
ટોચ પર સાવધ થવાનું હોય છે.

જેનું માથું આભને અડકેલું હો,
એનું, અધ્ધર જીવવાનું હોય છે.
સુનીલ શાહ