Monthly Archives: સપ્ટેમ્બર, 2012

ના ગમે

મને એ જ ક્ષણ ઉમ્રભર ના ગમે,
રહું હુંય મારા વગર, ના ગમે.

હું ટોળામાં સામેલ તો થાઉં; પણ,
મને બેખબર રાહબર ના ગમે.

તમે કહો, તો સરનામું તો સાચું કહો !
રઝળવાનું આ દરબદર ના ગમે.

ન તકરાર છે, પ્યાર પણ જ્યાં નથી,
સતત મૌન હો એવું ઘર ના ગમે.

કહે, કે કઈ રીતે ચૂમી શકું ?
મને સાવ સુક્કા અધર ના ગમે.

બધુંયે બધે માપસરનું ગમે,
બધુંયે બધે માતબર ના ગમે.
સુનીલ શાહ

Advertisements

બાળપણ પાછું જગાડો

તે પછીથી, વાંસળી હાથે રમાડો,
સૌ પ્રથમ એકાદ પર્વત તો ઉપાડો !

બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
કોઈને કારણ વગર શાને દઝાડો ?

સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
એક પગલું સાચું મૂકી તો બતાડો !

હસ્વ ‘ઇ’ કે દીર્ધ ‘ઈ’ કૈં પણ લખો; પણ
શબ્દ સાથે લાગણીને બસ ઉઘાડો.

રોજ એને ચાંદની તો ક્યાં મળે ? તોય,
છે પ્રતીક્ષારત અગાસી રાતદા’ડો.

બસ, ભમરડો ફેરવો, ટીચો લખોટી,
એ રીતે પણ બાળપણ પાછું જગાડો.

સુનીલ શાહ