Category Archives: અછાંદસ

અછાંદસ

(૧)

 પંખી ટહુક્યું,

ડાળ ઝૂલી,

ઝરણાં ખળખળ વહ્યાં…

મનને થયું,

પ્રતીક્ષાની

સઘળી સૂકી ડાળ

હમણાં મ્હોરી ઊઠશે..

નવાં ફૂલો ખિલખિલાટ ખીલશે

પતંગિયાં નવાં ગીત ગાશે…

વિશ્વાસ કહો યા શ્રદ્ધા,

પણ,

તૂટયું આખરે સ્વપ્ન..

સાચું કહું…?

એ ન જ આવી…!!

 –––––––––––––––

(૨)

બારી પાસે બેસી

આંખમાં

સ્મરણોનું આકાશ ભરવાના

પ્રયત્નો કરતો હતો.

કોણ જાણે ક્યાંકથી

વિષાદનું વાદળ

ઊતરી આવ્યું…!

હળવેકથી એણે

આંખના આકાશને

ઘેરી લીધું…

સંયમની પાંપણી સરહદો

વટાવી દીધી,

અંતે…?

ટપ…ટપ….ટપ…!

હૃદય હળવું,

ડૂમો પ્રવાહી…

દૃશ્ય કેવું ભાવવાહી…!!!

સુનિલ શાહ

Advertisements

ડર નથી..!– સુનિલ શાહ

થોડાં પ્રયત્ન પછી,

શેર માટીની ખોટને..

સહજ રીતે સ્વીકારનારા

અમે બંને–

કાળના ધસમસતા પ્રવાહમાં

ભૂલી ગયેલાં કે ઘડપણમાં શું…?

એકબીજાના પૂરક થઈ રહેવાની વાત તો

મીઠ્ઠી લાગે છે,

પણ…

એક ચક્ર થંભી જશે ત્યારે,

બીજા ચક્રનું શું..?

આ ડરામણો પ્રશ્ન થયો,

ને આંખ ખુલી ગઈ.

ઘસઘસાટ ઊંઘતી પત્ની તરફ

સહજ નજર નાંખી–

મનને આશ્વાસન આપ્યું..

‘ ભીડ વચ્ચે પણ ઘડપણ એકલું હોય

એવું બને છે જ ને ?

હોય છે એનેય,

ચિંતા ક્યાં નથી હોતી..?

હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં

અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–

કમસેકમ

કોઈ ઘરડાંઘરનો રસ્તો બતાવશે

એ ડર તો નથી…!’

અછાંદસ– સુનીલ શાહ

 ભ્રમ

ફૂટપાથના એક છેડે સૂતેલો

લઘરવઘર ‘માણસ’

નસકોરાં બોલાવી ગાઢ નિંદ્રાની

છડી પોકારે છે…

ત્યારે,

મને થાય છે…

ધોધમાર વરસાદની વચ્ચે

કોરાં રહી જનારા આપણે,

પેલા માણસની જેમ

સપનાંને

માણી શકીએ છીએ ખરા ?

જેને આપણે

‘સુખ‘ નામના પ્રદેશ તરીકે

ઓળખીએ છીએ, ત્યાં…

આપણે પોષ્યાં છે,

અઢળક ભ્રમોને..!!

–––––––––––––––

હદ

આદમથી

આમ આદમી સુધીની

સફરનો સાક્ષી તે આ સૂરજ…

કંઈ કેટલીયે પેઢીનાં દર્દને

પોતાનામાં ભંડારી

આગ વરસાવે છે ગગનથી..

જાણે કહી રહ્યો છેઃ

‘સહનશક્તિની પણ હદ હોય છે..’

ને,

એ હદ અતિક્રમાય છે

ત્યારે,

ક્યાંક વાવાઝોડું, ક્યાંક પૂર

ક્યાંક ધ્રુજારી તો ક્યાંક આગ

દેખાય છે..

એ સૌનું પરિણામ તો..

અશ્રુ જ ને..?!

સુનીલ શાહ

બે અછાંદસ રચના..

 એકાધિકાર

 

એ કળાને તો,

માણસે  ક્યારનીયે

આત્મસાત્ કરી લીધી છે,

હવે,

એકાધિકાર

ખતમ થઈ ગયો છે,

કાચીંડાનો..

રંગ બદલવાનો..!

———————–

ઘર

 

બાળપણમાં

અમે ઘર–ઘર રમતાં’તાં,

નિર્દોષભાવે…!

મિત્રો

કેવા આત્મીય–સ્વજન

લાગતા’તા…!

સમયની પાંખ ફેલાતી ગઈ…

જીવન નવા આસમાનને

સ્પર્શતું ગયું…

એક–બે–ત્રણ દશકા…

પાછું વળીને જોઉં છું

ત્યારે,

ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..

જે જિવાયું તે ‘ઘર’ હતું..?

પરસ્પર

 સ્નેહથી ભીંજાઈ જવાની

એ ‘કળા‘ તો..

ચાલો,

આપણે શીખી લઈએ….

બાળક પાસેથી..!

 

સુનીલ શાહ

 

 

‘મા–ધરતી’

ઊંચી-નીચી
ઊબડ-ખાબડ ધરતી,
ને સ્નેહની હરિયાળી ચાદર….

હે, માતૃભૂમિ !
અનાદિકાળથી
વરસાવે તું
હેત અનરાધાર…. 

બન્યો માનવ જ
અમાનવ,
ને ભૂલ્યો
તારો આદર…. 

કોણ સમજે,
કોને સમજાવે !
ધરતી જ અમ આધાર….

હરાયાં ઠેર ઠેર
ધરતીનાં ચીર,
ને હવામાં
મલીન કણો અપાર…. 

સમય કહે,
બદલો દિશા,
વિચારધારા- વહેણની
યા જાઓ પેલે પાર…. 

ક્યાં જશો
ને કોણ આપશે,
હવે
બીજી ધરતી ઉધાર….?

સુનીલ શાહ