Category Archives: Uncategorized

કવિતાનો ‘ક’ – પાંચ વર્ષની સફર

પ્રેમથી માર્ગ દેખાડનારા મળ્યા,
વ્હાલથી કાનને ખેંચનારા મળ્યા;
મેં ગઝલના ‘ગ’ને ઘૂંટવા માંડ્યો,
અટક્યો જ્યાં, હાથને ઝાલનારા મળ્યા.

આજે ૧૬મી નવેમ્બર ૨૦૧૨….. સ્વરચિત ગઝલોનો મારો બ્લોગ કવિતાનો ‘ક’, આજે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.. પાંચ વર્ષમાં આશરે ૭૦ જેટલી પોસ્ટ મુકાઈ હશે. ગઝલ શીખવાની, સમજવાની શરુઆત છેક ૪૩ વર્ષની ઉંમરે શરૂ થઈ જે પાંચ વર્ષ પછી આજે પણ ચાલુ છે. આ દરમ્યાન સુરતના અને સુરત બહારના કવિમિત્રો વહાલથી મને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. બ્લોગ પર ગઝલ વિશે પોતાનો પ્રતિભાવ આપનારા તમામ કવિમિત્રોનો, ભાવકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ નામ લખવાનું રહી જાય તો હું મને માફ કરી ન શકું તેથી નામોલ્લેખ ટાળું છું. મને પ્રોત્સાહિત કરનારા, સ્નેહથી ભૂલો બતાવી માર્ગદર્શન કરનારા તમામ વડીલો અને મિત્રો હૃદયસ્થ છે અને રહેશે. આવનારા વર્ષોમાં આવું જ પ્રોત્સાહન, માર્ગદર્શન મળતું રહેશે એવી શ્રદ્ધા છે જ. ઋણ સ્વીકાર સાથે સૌનો પુન: આભાર.

Advertisements

કલમ ઉપાડી છે..

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

સુનીલ શાહ

પ્રથમ અક્ષર..

વડીલો અને મિત્રો,

આપ સૌ સમક્ષ મારી કવિતાઓ મૂકવાનો આ સાથે પ્રારંભ કરું છું. અલબત્ત આ બ્લોગ અલગ હેતુથી શરુ કર્યો છે. મારી રુચી ગઝલ સર્જન તરફ વધારે રહી છે. ગઝલો નિયત બંધારણ–છંદમાં લખતાં લખતાં હું જે ભૂલો કરું છું તે ભૂલો તરફ જાણકારોએ આંગળી ચીંધતા રહેવાનું છે. મારી કોઈપણ કૃતી સંપુર્ણ છે એવો દાવો હું કરીશ નહીં પણ તેને વધુ સારી બનાવવા માટે તેની ખામીઓ બાબતે મને સંકોચ રાખ્યા વગર બેધડક સૂચનો કરવા વિનંતી છે. જે તે કૃતિની નીચે કોમેન્ટ બોક્ષમાં શું ન ગમ્યું, કઈ પંક્તિ કે શેર નબળો લાગ્યો યા કયો શબ્દ બંધબેસતો લાગતો નથી અથવા આ શબ્દને બદલે પેલો શબ્દ વધુ સારો લાગે. તદુપરાંત આ પંક્તિ જો આ રીતે લખી હોય તો વધુ સારુ લાગે તેવું માર્ગદર્શન મને મળતું રહે તે આ બ્લોગનો મુખ્ય હેતુ છે. આ પ્રકારનો આ પ્રથમ બ્લોગ હશે તેમ માનું છું. અન્ય નવોદિતો અહીની ચર્ચા પરથી નવી નવી જાણકારી મેળવી  પોતાના કાવ્યસર્જનને વધુ અસરકારક બનવી શકે તે બીજો હેતુ છે. હું માનું છું કે નબળી, ભુલ ભરેલી રચનાઓ પર પણ ‘વાહ વાહ‘ મળતી રહે અને કવી છેતરાતો રહે એ કરતાં ભલે કોઈ કાન આમળીને ભુલો બતાવે–સુધારાવે તો સાહીત્યની કુસેવા થતી અટકે. આશા રાખું છું કે, જાણકાર વડીલો અને મિત્રો  તરફથી મને હુંફ મળતી રહેશે..મારો સીધો સંપર્ક sunras2226@yahoo.co.in પર સાધી શકશો.

સુનિલ શાહના વંદન

,