વાતમાં ને વાતમાં…

બસ અમે તો ત્યાં જ ઊભા રહી ગયા આઘાતમાં,
ચાલ ચાલીને ગયા એ વાતમાં ને વાતમાં..!

ત્યાં વળી સંવેદનાની શી અપેક્ષા રાખવી ?
જ્યાં તમે જીવી રહ્યા છો પથ્થરીયા જાતમાં.

આખું જીવન તો તમે કેવી નિરાંતે ગાળ્યું છે,
તોપ ક્યાંથી ફૂટવાની કહો, હવે એક રાતમા..!

હાસ્ય કોઈના મુખે જોઈ તમે સુખ ધારો નહિ,
છે ઘણાં એવા, જે આંસુ સારે છે એકાંતમાં.

વૃક્ષ તો ઝીલ્યા કરે છે રોજ તડકા, વાંસા પર
ઈશ્વરે બસ એટલે ટહુકા દીધા સોગાતમાં.

સુનીલ શાહ

Advertisements

ખરેખર ખૂબ અઘરું છે….

images

ચમકતા સૂર્યને જોવું, ખરેખર ખૂબ અઘરું છે,
કોઈનું તેજ જીરવવું, ખરેખર ખૂબ અઘરું છે.

હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે !
થશું બીજાના એ ક્હેવું, ખરેખર ખૂબ અઘરું છે.

બહુ થાકી ગયા હો તો વિસામો લઇ શકો છો; પણ,
સદા આ માર્ગ પર ટકવું, ખરેખર ખૂબ અઘરું છે.

બધું મારું, નથી કૈં તારું – એ વાતાવરણ વચ્ચે,
બધાને જોડતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

નજાકત ડાળમાં હોવી જરૂરી છે નહીંતર તો,
અહીં પંખીઓનું હોવું, ખરેખર ખૂબ અઘરું છે.

સુનીલ શાહ

હોડ છે અહીં

કોઈ રીતે અન્યથી આગળ જવાની હોડ છે અહીં,
એ જ રીતે બસ, સફળતા પામવાની હોડ છે અહીં.

ક્યાં હતી હિંમત બધામાં કે તરે સામા પ્રવાહે,
બસ, નદીના વ્હેણ સાથે દોડવાની હોડ છે અહીં.

આમ તો એકાદ બે ક્ષણ હોય છે ખિસ્સે ભરેલી,
તે છતાં આખા જગતને જીતવાની હોડ છે અહીં.

ધૈર્ય જેવું ક્યાં કશું છે કોઈમાં શ્રોતા થવાનું ?
શબ્દને તોલ્યા વગર બસ, બોલવાની હોડ છે અહી.

એટલી ઈર્ષા ઊઠે છે અન્યનાં અજવાસ સામે,
કે, ગમે તે રીતે દીવો ઠારવાની હોડ છે અહીં.

સુનીલ શાહ

બૂમ ના પાડો

બધું બગડી ગયાની બૂમ ના પાડો,
તમે ખુદને સુધારીને તો દેખાડો..!

તમે પડનારની ચિંતા કરો છો પણ,
કદી ત્યાં હાથ દીધો છે જરા આડો ?

પછી ત્યાં પ્રેમની આશા શું રાખો છો ?
ચણી છે ખુદના ભાઈ વચ્ચે જ્યાં વાડો.

ભલે નફરતની કોદાળી ચલાવે એ,
ભરી લો પ્રેમની માટીથી એ ખાડો.

કરો નહિ રોજ નિષ્ફળતા વિશે ચિંતા,
ઊગે છે રોજ આખ્ખોયે નવો દા’ડો.

સુનીલ શાહ

કહો ક્યાં જશો ?

આવતા આવેગને રોકી તમે કહો ક્યાં જશો ?
શ્રાવણોને આમ અટકાવી તમે કહો ક્યાં જશો ?

બેઉ વચ્ચે ક્યાંય પણ અંતર ન હોવું જોઈએ,
પ્રેમનો એવો નિયમ તોડી તમે કહો ક્યાં જશો ?

માત્ર પળ બે પળ સમય જીવી જવા મળતો હશે,
આખું જીવન માથા પર મૂકી તમે કહો ક્યાં જશો ?

એ સહજ છે, આક્રમણ ભીતરનું તો આવ્યા કરે,
રોજ વારંવારનું તૂટી તમે કહો ક્યાં જશો ?

ઘર વિશે જાણ્યું કે, ઘર એ ઘર છે બીજું કાંઈ નહિ,
દોસ્ત, નાહક પાંખ ફફડાવી તમે કહો ક્યાં જશો ?

સુનીલ શાહ

ન ફાવે

બધાને રોજ મળવાનું ન ફાવે,
વિના કારણ પલળવાનું ન ફાવે.

એ રીતે ખુદને છળવાનું ન ફાવે,
કોઈ કહે એમ વળવાનું ન ફાવે.

હું માણસ છું; નથી સિક્કો ચલણનો,
મને અધ્ધર ઉછળવાનું ન ફાવે.

ભલે ભીતર કશું કૈં હો દહનશીલ,
છતાં કાયમ સળગવાનું ન ફાવે.

ખુમારી એ જ રાખી છે સતત મેં,
અમસ્તું સૌને લળવાનું ન ફાવે.

સુનીલ શાહ

બની ગયું છે

કોને ખબર આ કેવું ભણતર બની ગયું છે,
પોપટની જેમ બાળક, સાક્ષર બની ગયું છે !

ઝીંકે છે શ્હેર આખું, કૈં કેટલાં પ્રહારો,
પણ દોસ્ત, મારું મન તો, બખ્તર બની ગયું છે.

પીડા ને પીઠ સાથે પસવારતો રહ્યો છું,
એથી જ જીવવું આ, નક્કર બની ગયું છે.

ડૂબી જવાયું એમ જ, આ આંસુમાં ગળાડૂબ,
જાણે શરીર આખું જળચર બની ગયું છે !

બસ જ્યારથી ઉદાસી ઘર કાયમી કરી ગઈ,
સરનામું મારું કેવું સધ્ધર બની ગયું છે !

મેં જાત આખી તોડી, તેં તો ધનુષ્ય કેવળ,
કહે, રૂપ તારું શાને ઈશ્વર બની ગયું છે ?

સુનીલ શાહ

(દ્વિખંડી છંદ: ગાગાલગા લગાગા / ગાગાલગા લગાગા)

હૃદયથી માણવાના

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં, જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ, સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

સુનીલ શાહ

જીવું છું.

imagesખોખલા ખેંચાણ લઈને જીવું છું,
વળગણોની તાણ લઈને જીવું છું.

આ વરસતા પથ્થરો વચ્ચે સતત,
જીવ, લોહીઝાણ લઈને જીવું છું.

હું મને જો ઓળખું તો પણ ઘણું,
એ સમજ, એ જાણ લઈને જીવું છું.

ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

સનસનાટીપૂર્ણ વીતે છે સમય,
હુંય કચ્ચરઘાણ લઈને જીવું છું !
સુનીલ શાહ

બોદો નીકળ્યો

એ રીતે ઈચ્છાનો તાળો નીકળ્યો,
અંતમાં અજગરનો ભરડો નીકળ્યો.

વૃક્ષ જીવ્યાનો પુરાવો નીકળ્યો,
ડાળ પર એકાદ માળો નીકળ્યો.

વસ્ત્ર મેં કેવાં જતનથી સાચવ્યું,
તોય શાને એક ડાઘો નીકળ્યો..?

મેં ઉપાડી પ્રેમરંગી પીંછી જ્યાં,
એક ચ્હેરો એકધારો નીકળ્યો.

જાળ નાંખીને કર્યાં જેણે શિકાર,
એ શિકારી એક ભગવો નીકળ્યો..!

આશરો ક્યાં કોઈનો સદ્ધર હતો,
મેં ખભો માન્યો એ બોદો નીકળ્યો..!

સુનીલ શાહ