Daily Archives: ડિસેમ્બર 31st, 2007

સાથ દે તો…

સાથ દે તો તમસ પી જોઉં હું,

સૂર્યને આમ માપી જોઉં હું.

 

વેદનાની અમીરી ઊગે જયાં, 

ત્યાં દિલાસાઓ આપી જોઉં હું.

 

અડચણો આવે સામટી તો પણ,

પ્રેમનો પંથ કાપી જોઉં હું.

 

આંખો તારી હજીયે છલકે છે,

થાય, આખી નદી પી જોઉં હું.

 

વીજની જેમ ચમકીને ઝટઝટ

મેઘના અર્થ માપી જોઉં હું.

(ગાલગા ગાલગાલ ગાગાગા)

સુનીલ શાહ