રોકી શકું

હો ચરણની છાપ તો ભૂંસી શકું,
હું સ્મરણનો માર્ગ ના રોકી શકું.

એટલી નવરાશ ક્યાં લાવી શકું ?
રોજ ઈશ્વર શોધવા નીકળી શકું..!

પટપટાવે આંખ સંમતિમાં તું જો,
મારું ખાલી પાત્ર છલકાવી શકું.

સાવ નાની વાતમા ઝઘડી પડું,
એટલો નીચે હું ના ઉતરી શકું,

એટલે મેં આયનો તોડ્યો હતો,
હમશકલની જાળથી છૂટી શકું.

વૃક્ષ છું હું, મારું સઘળું લઈ લે પણ,
માત્ર ટહુકો  ના તને આપી શકું.

સુનીલ શાહ

14 responses

  1. રિટાયર થાવ ત્યારે જો જો– સ્મરણના ઝુંડ કેવા સતાવે છે તે. બહુ સરસ ગઝલ. અભિનંદન.

  2. એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    વૃક્ષ છું હું, મારું સઘળું લઈ લે પણ,
    માત્ર ટહુકો ના તને આપી શકું.

    Nice Sher !!!

  3. હું સ્મરણનો માર્ગ ના રોકી શકું.

    સરસ … આયનાવાળો શેર પર ગમ્યો.

  4. સંસ્મૃતિ સ્વક સાથેનું કોમ્યુનિકેશન છે એમાં ખાંચો નથી.

  5. સાવ નાની વાતમા ઝઘડી પડું,
    એટલો નીચે હું ના ઉતરી શકું,

    એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    આ બે શેર ઘણા સરસ લાગ્યા
    Keep it Up

  6. મત્લા અને મક્તા ના શેર વધુ ગમ્યાં.

  7. મત્લાનો શેર ખૂબ જ સુંદર…

    સંમતિ – ગાગા તરીકે લઈ શકાય? ઉચ્ચારણ કરતાં કઠે છે…

  8. સરસ ગઝલ બની છે સુનીલભાઇ…
    અભિનંદન.
    એક સૂચન કરવાનું મન થાય છે- બીજા શેરની બન્ને પંક્તિઓ ઉપર-નીચે કરીએ તો?
    વાત વધુ અસરકારક બની ઉઘડી શકે એવું મને લાગે છે.

  9. એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    આ શેર અને મત્લાનો…બંને શેર ખુબ મઝાના થયા છે.સરળ,સહજ અને છતાં ચોટદાર..

  10. એટલી નવરાશ ક્યાં લાવી શકું ?
    રોજ ઈશ્વર શોધવા નીકળી શકું..!

    vaah!

  11. મત્લા અને મક્તાના શે’ર ખરેખર લાજવાબ છે.
    અલબત્ત, આયનાવાળો શે’ર પણ મને સવિશેષ પસંદ પડ્યો…
    ધન્યવાદ !

  12. સાવ નાની વાતમા ઝઘડી પડું,
    એટલો નીચે હું ના ઉતરી શકું,
    These lines are really beautiful. Noble people never come down from there level to make such petty gestures. What’s in my heart, you have expressed it through these lines.

Leave a comment