જીવા…

Web Photo

કાંટા વચ્ચે રહો છો, જીવા,
ફૂલો જેવું મહેકો, જીવા.

તોફાની છે દરિયો, જીવા
સંયમ થોડો રાખો, જીવા.

હા, દેહ ભલે શણગારો ને !
મનને સુંદર રાખો, જીવા.

રોશન કરવા જીવન સૌનું,
થઈએ જાતે તડકો, જીવા.

કોણ અહીં કાયમ રહેવાનું,
ખુદને બસ સમજાવો, જીવા

પાણી જેવું છે જીવન તો,
ફૂટે છે પરપોટો, જીવા.

ઓછું વત્તું તો હોવાનું,
છે જે, તે સ્વીકારો, જીવા.

પાંપણનો પહેરો ઓછો છે,
કે ચશ્માં પહેરો છો, જીવા..?

ભીતર હો કૈં જખ્મો તોયે,
નક્કર છાતી રાખો, જીવા.

સુનીલ શાહ

11 responses

  1. પાંપણનો પહેરો ઓછો છે,
    કે ચશ્માં પહેરો છો, જીવા..?

    સુંદર ગઝલ ..

  2. પાંપણનો પહેરો ઓછો છે,
    કે ચશ્માં પહેરો છો, જીવા..?

    તમને આવા વિચારો કયાંથી આવે છે.– ગમ્યું.સરસ.

  3. બોધક ગઝલ કહી શકાય એવી ગઝલ અને જીવા.!ને સંબોધીને સરસ ગુંથણીપૂર્વક કવિકર્મ….ગમ્યું સુનીલભાઇ.

  4. ટૂંકી બહેરની સુંદર ગઝલ..

    મત્લો વધુ ગમ્યો…

  5. રોશન કરવા જીવન સૌનું,
    થઈએ જાતે તડકો, જીવા.

    કોણ અહીં કાયમ રહેવાનું,
    ખુદને બસ સમજાવો, જીવા

    પાણી જેવું છે જીવન તો,
    ફૂટે છે પરપોટો, જીવા.

    તમને આવા વિચારો કયાંથી આવે છે.– ગમ્યું.સરસ.

  6. સરસ! મત્લા ખાસ થયો છે.

    કાંટા વચ્ચે રહો છો, જીવા,
    ફૂલો જેવું મહેકો, જીવા. ….

  7. જીવને સરસ બોધ આપ્યો
    રોશન કરવા જીવન સૌનુ’
    થઇએ જાતે તડકો જીવા’
    વા..હ

  8. ઓછું વત્તું તો હોવાનું,
    છે જે, તે સ્વીકારો, જીવા.

    નાની બહેરમાં મોટી નહેર.

Leave a comment